થરાદ ફાઇલ્સ ભાગ – ૧ વિડિયો
તા. ૨૪ મી ફેબ્રુ ૨૦૨૪ના રોજ થરાદ જૈન તીર્થમાં બનેલી ઘટનાનું વિગતવાર વર્ણન, વિડિઓ ફોર્મેટમાં
થરાદ ફાઇલ્સ ભાગ – ૧ વિડિયો
આ વિડિયો “Jainism Xiamen” નામના સમૂહ દ્વારા ખૂબજ મહેનત/રિસર્ચ કરી બનાવવામાં આવ્યો હતો અને તેને તેમના યુટ્યુબ ચેનલ “Jainism Xiamen” પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો. અપલોડ કર્યાના ૩ દિવસની અંદર તેને ૭૫ હજારથી વધુ વ્યૂઝ મળ્યા. પરંતુ કમનસીબે તેને યુટ્યુબ દ્વારા – અસામાજિક તત્વોના ખોટા વિરોધના કારણે તેને કાઢી નાખવામાં આવ્યું હતું.
થરાદ તીર્થ બનાસકાંઠામાં આવેલું છે. અત્રેના સંઘવી શાંતિલાલ અનોપચંદ (ચકલી શેરી) ના પુત્ર કુમારપાળના ધર્મપત્ની શર્મિષ્કાબેન ‘સૂરિરામચંદ્ર’ સમુદાયના પૂ.સા.શ્રી મુક્તિદર્શનાશ્રીજી મહારાજાના શિષ્યા બન્યા. શર્મિષ્કાબેન થરાદના જ શ્રેષ્ઠી શ્રી બબુબેન ચુનીલાલ નાગરદાસ અદાણી પરિવારના પુત્રી હતાં અને પૂ. સા. શ્રી. મુક્તિદર્શનાશ્રીજી મહારાજ પણ થરાદના જ સાંસારિક વતની બલ્લુ પરિવારના કુળદીપિકા છે. આ એજ કુમારપાળ સંઘવી છે કે જે થરાદના પ્રતિષ્ઠિત પરિવારોમાંના એકના શ્રેષ્ઠી પરિવાર છે. એમણે આજ સુધી ત્રિસ્તુતિક સંઘના પ્રત્યેક કાર્યોમાં તન-મન-ધન અને સમય યોગદાનથી લાભો લીધેલા છે.
- છત્રાલ નવકાર તીર્થના મૂળનાયક પ્રભુની પ્રતિષ્ઠા કરાવી છે.
- પાલીતાણા ત્રિસ્તુતિક યતીન્દ્રભવન ધર્મશાળામાં લાભ લીધો છે.
- મુંબઈ ખેતવાડી ગુરુમંદિરમાં ગુરુદેવના ફોટાને હાર ચડાવવાનો કાયમી લાભ લીધેલો છે.
- માદરે વતન થરાદ તીર્થમાં સંઘવી પરિવારોની કુળદેવી જયાદેવી માતાજીની કાયમી ધ્વજાનો લાભ પણ લીધો છે અને
- ખેતવાડી ત્રિસ્તુતિક ટ્રસ્ટમાં ૨૧-૨૧ વર્ષ સુધી ટ્રસ્ટી રહેલા છે.
૩ જૂન,૨૦૨૦ના દિવસે કોરોના મહામારી દરમ્યાન થરાદના એક દીકરાની દીક્ષા થઈ. વાત એમ બની કે આચાર્યશ્રી કીર્તિયશ સૂરીશ્વરજી મહારાજાના પ્રવચનોથી વૈરાગ્ય વાસિત બની થરાદ નિવાસી કૌશલભાઈ કુમારપાળભાઈ સંઘવીના સુપુત્રે જયારે દીક્ષા સ્વીકારી ત્યારે કોરોનાના કારણે મહોત્સવાદિ થઇ શક્યા નહિ. પરિવારની ભાવનાને ન્યાય મળે એ હેતુથી આચાર્યશ્રી કીર્તિયશ સૂરીશ્વરજી મહારાજાએ સુયોગ્ય અવસરે ભાવના પૂર્ણ કરવાનું વચન આપ્યું. થોડા સમય બાદ માત-પિતા વગેરે સ્વજન પરિવાર જનોએ મુંબઈ – વાલ્કેશ્વર ચંદનબાળાના ગૃહાંગણે પધારવા માટે પૂજ્યશ્રીને વિનંતી કરી. પરંતુ પંદરમાં માળે આવેલા એમના નિવાસ સ્થાને પધરામણી પૂજ્યશ્રી માટે શક્ય ન હતી. પરિવારની ભાવના અધૂરી જ રહી. કોરોના મહામારી પછી સુરત ચાતુર્માસ થયું – એ પછી અમદાવાદ પૂજ્ય આચાર્યશ્રી કીર્તિયશ સૂરીશ્વરજી મહારાજાનું ચાતુર્માસ થયું. એ દરમ્યાન શ્રી ભોરોલતીર્થના આંગણે ભગવાન શ્રી નેમિનાથની ૨૭મી વાર્ષિક પ્રતિષ્ઠા તિથિ અને આચાર્યશ્રી ગુણયશ સૂરીશ્વરજી મહારાજા તથા આચાર્યશ્રી કીર્તિયશ સૂરીશ્વરજી મહારાજાની આચાર્ય પદ સ્થાપનાની ૨૭માં વર્ષની પૂર્ણતાની તિથિને અનુલક્ષીને મહોત્સવ નક્કી થયો. (કોરોના દરમ્યાન રજત વર્ષ ઉજવવાની ભાવના બે વર્ષ બાદ પૂર્ણ થઇ) આ સમાચાર સાંભળતા નૂતન દીક્ષિતના પરિવારજનો ખુશ – ખુશાલ થઇ ગયા. તેઓએ અમદાવાદ આવીને વારંવાર પૂજ્યશ્રીને વિનંતી કરી. આચાર્યશ્રી કીર્તિયશ સૂરીશ્વરજી મહારાજાનું પર્યુષણ બાદનું ચાતુર્માસ સ્મૃતિમંદિર – સાબરમતી ખાતે હતું. તા. ૨૩/૧૦/૨૦૨૩, આસો સુદ ૯ ના દિવસે પરિવારના મોભી કુમારપાળભાઈ તેમના સુપુત્ર કૌશલભાઈ અને પુત્રવધુ તૃષાબેન અને થરાદના સંઘવી, અદાણી, ધરુ તેમજ વોરા વગેરે ૫૦ પરિવારોના પુણ્યાત્માઓ આચાર્યશ્રીની પાસે આવ્યા. થરાદ ખાતે આવેલા પોતાના નિવાસ સ્થાને પધરાવાની વિનંતી સમેત એક દિવસીય મહોત્સવ રંગે – ચંગે ઉજવવાની ભાવના વ્યક્ત કરી. વિહાર દરમ્યાન થરાદ વચ્ચે જ આવનાર હોવાથી આચાર્યશ્રીએપણ પરિવારની વિનંતીનો સ્વીકાર કર્યો. પરિવારે પણ ઉલ્લાસભેર તૈયારીઓ ચાલુ કરી સહું પ્રથમ આ પ્રસંગના આગમનની વધામણી રૂપે તા. ૧૬ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ સુંદર કાંસાના જગના વિતરણનો પ્રારંભ કર્યો. સવા ચારસો ઘરોની અંદર આ જગનું વિતરણ થયું. સવા ચારસો ઘર પૈકી ચારસો ઘરો થરાદના હતા. થરાદના તમામ પરિવારોએ-ઘરોએ આદર પૂર્વક આમંત્રણના સ્વીકાર સાથે જગનો સ્વીકાર કર્યો હતો. થરાદના માત્ર ચાર પરિવારોએ જગ પાછો મોકલાવ્યો.(એક દિવસ રાખીને બીજા દિવસે પાછો મોકલાવ્યો.) એ ચાર પરિવારોમાંથી બે પરિવારના વડીલો થરાદ ત્રિસ્તુતિક સમાજના કેટલાક વર્ગના આગેવાનો હતા. બંને આગેવાનોએ બીજી કોઈપણ જાણકારી કે વાટાઘાટ વગર જ આ જગનો અસ્વીકાર કર્યો હતો. બીજી તરફ આચાર્યશ્રી કીર્તિયશ સૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં જગાણા – પાલનપુરમાં ઉપધાનતપની આરાધના ઉલ્લાસભેર ચાલી રહી હતી. અંતિમ પંદર વર્ષથી પૂજ્યશ્રીના માર્ગદર્શનથી જેતડાના જીર્ણોદ્ધારનું કાર્ય ચાલી રહ્યું હતું. વહેલી તકે પરમાત્માની પ્રતિષ્ઠા થાય એ માટે જેતડાના શ્રાવકો પણ નિયમિત માર્ગદર્શન લઈને દેરાસરનું કાર્ય આગળ વધારી રહ્યા હતા. પ્રતિષ્ઠા યોગ્ય દેરાસર તૈયાર થઇ જતા, જેતડાનો સંઘ પૂજ્યશ્રી પાસે આવ્યો. પ્રતિષ્ઠા માટે સુયોગ્ય દિવસ પ્રદાન કરવાની વિનંતી કરી. પૂજ્યશ્રીએ પ્રતિષ્ઠાના મુહૂર્ત ગ્રહણ માટે તેમજ ચડાવા વગેરે માટે ૨૫ જાન્યુઆરી ૨૦૨૪, પોષ સુદ ૧૫ દિવસ આપ્યો. જેતડા સાથે જોડાયેલા તમામ પરિવારોને આમંત્રણ આપવામાં આવ્યું. એ દરમ્યાન અચાનક જ ચડાવાના- પ્રતિષ્ઠા મુહર્ત પ્રદાનના ત્રણ દિવસ પૂર્વે તા. ૨૨ જાન્યુઆરી ૨૦૨૪, પોષ સુદ ૧૨ ના દિવસે લગભગ ત્રીસેક શ્રાવકો પૂજ્ય આચાર્યશ્રી કીર્તિયશ સૂરીશ્વરજી મહારાજા પાસે આવ્યા. અનેક જવાબદારીઓ અને કાર્યવ્યસ્તતા તથા ઉપધાનના પ્રસંગોની વચ્ચે આચાર્યશ્રીએ તેમને ત્રણ કલાક જેટલો સમય ફાળવ્યો. પૂજ્યશ્રીએ પૂછવા છતાં કોઈપણ વ્યાજબી કારણ દર્શાવ્યા વગર જ તે શ્રાવકોએ આકરી ભાષામાં આચાર્યશ્રીને પ્રતિષ્ઠા રોકવાની વાત કરી. જો કે અંતિમ પંદર વર્ષમાં ક્યારેય આ શ્રાવકો આચાર્યશ્રી પાસે આવ્યા નથી. આજે પહેલીવાર આ બધા જ શ્રાવકો આવ્યા હતા. તેમજ આવનાર શ્રાવકોમાં ઘણા પોતાના નામ સાથે જેતડા ગામનો ઉલ્લેખ માત્ર ક્યારેય કરનારા ન હતા. પૂજ્યશ્રીએ ખૂબ શાંતિથી દરેકની વાતો સાંભળી.
ત્યારપછી ખૂબ જ ઠંડા કલેજે આ શ્રાવકોને સમજાવવાનો અને સમાધાન આપવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું ‘હજી પ્રતિષ્ઠા મુહૂર્ત પ્રદાનને ત્રણ દિવસ બાકી છે તો તમે બંને પક્ષો ભેગા મળીને આવો યોગ્ય સમાધાન ચોક્કસ કરીશું’ પરંતુ પ્રતિષ્ઠા રોકવા સિવાયની બીજી કોઈ જ વાત આ બધાને મંજુર ન હતી. એટલે અણગમા અને ધિક્કારની ભાવના સાથે બધા નીકળી ગયા. એ પછી સોશીયલ મીડિયા ઉપર આક્ષેપબાજીઓનો સીલસીલો શરૂ થયો. બનાવટી ઘટનાઓ ઉભી કરવામાં આવી. ત્રિસ્તુતિક સમાજમાં આક્રોશ ફેલાય એ હદે બદતરમા બદતર મેસેજો ફેલાવવામાં આવ્યા. હદ તો ત્યારે થઇ જયારે ‘જાહેર ચેતવણી’ ના બેનર હેઠળ મોતની ધમકી આપવામાં આવી. એક જૈનાચાર્યને શ્રાવકોના પગ પકડવાનું કહેવામાં આવ્યું. આટ આટલુ થવા છતા આચાર્યશ્રી મૌન રહ્યા. કોઈપણ જાતનો પ્રતિકાર કે આક્રોશ કર્યા વગર સમતાભાવે સહન કરતા રહ્યા. જેતડાના સંઘે પણ સાથે મળીને વાસ્તવિક રજુઆત કરતો આઠ પાનાનો એક પત્ર બહાર મુક્યો. આ પત્રથી સાચો ઇતિહાસ બહાર આવ્યો. એના પરિણામે વિકટ પરિસ્થિતિઓ વચ્ચે પણ જેતડાની પ્રતિષ્ઠા તા.૨૨ ફેબ્રુઆરી ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ખૂબ જ રંગે ચંગે ઉજવાઇ. જેતડાના જિનાલયની રંગીન પ્રતિષ્ઠાથી થરાદ ત્રિસ્તુતિક સંઘના કેટલાક વર્ગનો અહં ઘવાયો. જેતડાના ચુનંદા શ્રાવકોએ પ્રતિષ્ઠાચાર્યને ક્યાંય ઇજા ન પહોંચે એ માટે જડબેસલાક વ્યવસ્થા કરી હતી. આ બધાથી ઉશકેરાઈને થરાદ ત્રિસ્તુતિક સમાજના ગચ્છાધિપતિ સમેત કેટલાક શ્રમણોએ પણ આખા સમાજને ઉશ્કેરતી વાતો અને મિટિંગો કરી. તેથી થરાદ ત્રિસ્તુતિક સમાજનાં કેટલાક વર્ગમાં આચાર્યશ્રી સામે આક્રોશનું વાવાઝોડું ફૂંકાયું અને અચાનક જ એક નવી વાતે આકાર લીધો. વાઘજીભાઈ અને શશિવોરાની આગેવાની હેઠળ જોર જુલ્મી નિર્ણય કરાયો કે કોઈપણ સંજોગોમાં કીર્તિયશસૂરીજીને ‘થરાદમાં પગ ન મુકવા દેવો. દેરાસરમાં પણ પગ ન મુકવા દેવો.’ વાસ્તવિક રીતે ડેમોક્રેટિક ગણાતા ભારતદેશમાં કોઈપણ ગામમા કોઈને પણ આવતા અટકાવી શકાય નહી. તેમજ આચાર્યશ્રીને ત્રિસ્તુતિક સંઘના આંગણે પધરાવવાના હોય તો ચોક્કસ સંઘ સમાજની સંમતિ લેવી અનિવાર્ય ગણાય. પરંતુ પોતાના ગૃહઆંગણે લાવવા માટે સંમતિની જરૂર હોય? ચાર થોય બે તિથી પક્ષના ઉપાશ્રયમાં લાવવા માટે સંમતિ ની જરૂર હોય? પરંતુ ટોળાશાહીના જોરે આ સમાજના કેટલાક વર્ગે આ નવું પગલું લેવાનો ગોઝારો(ખોટો) નિર્ણય કર્યો અને અલગ અલગ સ્થળેથી થરાદમાં પબ્લિકને ઠાલવવા માટે બસો મુકવામાં આવી.
આ બાજુ ૨૪ ફેબ્રુઆરીએ આચાર્ય ભગવંત દીકરા મુનિશ્રીને લઈને પધારવાના હોઈ થરાદ નિવાસી કુમારપાળભાઈ તથા પુત્ર કૌશલભાઈ વગેરે સ્વાગતની તૈયારીમાં લાગેલા હતા. થરાદ ત્રિસ્તુતિક સમાજના અદાણી-સંઘવી અને વોરા પરિવાર તેમજ કલ્યાણમિત્રો એમ કરીને કુલ ૧૨૦ સભ્યોની ટિકિટો આ પરિવારે કરાવી હતી. તેમજ ૧૯ ફેબ્રુઆરીથી ૨૪ ફેબ્રુઆરી સુધી જેઠીબા ધર્મશાળાનું બુકીંગ પણ ત્રણેક મહિના અગાઉ કરાયું હતું. મુંબઈ ખાતે આવેલી શાંતિભાઈ દૈયપની(નિર્માતા પરિવાર) ઓફિસમાં ચિ. પિન્ટુભાઈ સાથે બેસીને તા.૨૪/૧૦/૨૦૨૩ ના રોજ આ જેઠીબાઈ ધર્મશાળા નક્કી કરવામાં આવી હતી. ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૪ના દિવસે નાના કાપરામાં પરિવારના સભ્યોએ આવીને ‘વહેલા પધારો અને અમારી ભૂમિને પાવન કરો’ ની વિનંતી કરી. ૧૯ ફેબ્રુઆરીના દિવસે દીક્ષિત મુનિવરના પિતાએ સપરિવાર જેઠીબા ધર્મશાળામાં ઉતારો લીધો. ઉતારા પછી થોડા જ સમયમાં પ્યુને આવીને પૂછતાછ કરી ત્યારે કૌશલભાઈએ પૂછ્યું કે ‘ભાઈ!તું શા માટે આ બધું પૂછે છે? તારો અધિકાર નથી, મેનેજરને મોકલ’ આવેલો પ્યુન જતો રહ્યો અને મેનેજર પણ ઉપર આવ્યો નહિ. ૨૦ ફેબ્રુઆરીની સવારે ધર્મશાળાના મેનેજર આનંદભાઈનો રૂમ ખાલી કરવા માટે ફોન આવ્યો. ત્યારે કૌશલભાઈએ પ્રતિપ્રશ્ન પૂછીને જવાબ માંગ્યો. જવાબમાં મેનેજરે કહ્યું કે ‘મને સાત જણના ફોન આવ્યા છે માટે તમારે રૂમ ખાલી કરવાની છે.’ કૌશલભાઈએ ડાયરેકટ ધર્મશાળાના નિર્માતા પરિવારને કોલ કર્યો. (શાંતિભાઈના સુપુત્ર પીન્ટુભાઇ સાથે જ મુંબઈમાં ધર્મશાળાનું બુકીંગ કર્યું હતું) પીન્ટુભાઇએ કહ્યું કે ‘અમે ખાલી કરવાનું કીધું જ નથી તમે આરામથી રોકાવો, હું મેનેજર સાથે વાતચીત કરું છું.’ આ રીતે વાતને થોડો વિરામ મળ્યો. થોડા કલાકો બાદ ફરીથી હા-ના ની વાટાઘાટો શરૂ થઇ. આખરે ૨૧ તારીખે સાંજે પીન્ટુભાઇનો કૌશલભાઈ ઉપર ફોન આવ્યો અને ધર્મશાળાની રૂમો કેન્સલ કરવામાં આવી. આ જ દિવસે થરાદ ત્રિસ્તુતિક સમાજનો લેટર જાહેરમાં મુકાયો. જેમાં ‘પરિવારને કોઈએ પણ ઉતારો આપવો નહીં. તેમજ બે તિથી પક્ષ નાં શ્રમણ શ્રમણીને પણ ઉતારવા દેવા નહીં’ એવી રજુઆત કરાઈ હતી. થરાદ ત્રીસ્તુતિક સમાજના સાત પ્રમુખોની સહીથી બહાર પડેલો પત્ર મળતાં જેઠીબા ધર્મશાળાના નિર્માતા પરિવારે બૂકિંગ કેન્સલ કરવું પડયું હતું. આ અરસામાં પરિવારના મોભી કુમારપાળભાઈ ઉપર બે અજાણ્યા નંબર ઉપરથી ધમકીના ફોન આવ્યા. થરાદમાં જ પોતાનું ઘર હોવાથી પરિવાર ધર્મશાળાની રૂમ ખાલી કરીને પોતાના ઘરે ગયો.
ગ્રામ્યજનોને સુપુત્ર મુનિના આગમનની વધામણી આપવા રૂપે ૨૦૦ કિલો ગોળનો રવો લાવીને ઘર ઘરમાં આપવાનું શરૂ કર્યું. પહેલાં દિવસે પચીસ ઘરોમાંથી માત્ર એક ઘરે ગોળનો રવો પાછો આપ્યો. બીજા દિવસે બાકીનો ગોળ વિતરણ કરાયો થોડા કલાકો બાદ ૧૦૦ કિલો ગોળ પાછો આવ્યો. ૨૩ ફેબ્રુઆરીની સવારે પરિવારના સભ્યો કલ્યાણમિત્રો સાથે આચાર્યશ્રી પાસે વિનંતી માટે આવ્યા. આચાર્યશ્રી ૨૪ તારીખે જ પધારવાના હતા. પરંતુ પરિસ્થિતિ ગંભીર જોતા અચાનક જ સાંજે વિહાર નક્કી થયો. વિહારમાર્ગમાં થરાદ વચ્ચે જ આવતું હતું એટલે થરાદને ઓળંગ્યા વગર જવું જરાય શક્ય ન હતું. સાથોસાથ વિહાર પણ લાંબો હતો એટલે રાત થરાદમાં વિતાવવી અને વહેલી સવારે આગળ નીકળી જવું એમ નક્કી કર્યું. થરાદમાં પાવડની શેરીમાં આવેલ ચાર થોય – બે તિથિ પક્ષના ઉપાશ્રયમાં પૂજ્યશ્રીની સ્થિરતા નક્કી થઇ. જો કે જયંતિલાલ અમૃતલાલ શાહે બી.કે ન્યુઝ ચેનલને જણાવ્યું હતું કે ‘આચાર્યશ્રી કીર્તિયશ સૂરીજી અત્રે થરાદમાં પધારે તો અમને કશોજ વાંધો નથી. માત્ર બેન્ડ-વાજા સાથે ન આવવા જોઈએ.’ આ જાણકારી પોલીસો ધ્વારા કુમારપાળભાઈને અપાઈ. તેથી સામૈયું કેન્સલ કરીને પરિવારે પૂજ્યશ્રીની પાવન પધરામણી થરાદમાં કરાવવાનું નક્કી કર્યું. પરિવાર અને ભક્ત શ્રાવકોને તોફાન થવાની દહેશત હતી જ, તેથી પોલીસ અને સિક્યોરિટી સાથે રાખીને આચાર્યશ્રીનો થરાદમાં પ્રવેશ કરાવાયો. થરાદ તીર્થના અધિનાયક ભગવાન શ્રી મહાવીર પ્રભુના દર્શન કરવા માટે આચાર્યશ્રીએ જેવો ગામમાં પ્રવેશ કર્યો કે દિલીપ કુંભારા નામનો વ્યક્તિ પીળું બેનર લઈને ‘પ્રવેશ નિષેધ’ ની સૂચના બતાવતા ઉભો રહી ગયો. તેમજ આ વ્યક્તિ અને એના સાથીદારો રસ્તેથી પસાર થતી ગાડીઓને રોકી તેમાં બેસેલા અજૈનોને ખોટી વાતોથી ભડકાવી આચાર્યશ્રી તેમજ સાધુઓ ઉપર ગાડી ફેરવી દેવા ઉશ્કેરતો હતો. જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ જુદી જુદી જગ્યાએ બે – પાંચ – દસ જણાના ટોળાંઓ અલગ અલગ બેનરો લઇને અભદ્ર નારાઓ સાથે વિરોધ દર્શાવવા લાગ્યા. આચાર્યશ્રી કેટલાક સાધુ ભગવંતો સાથે દેરાસર પહોંચ્યા. ત્યારે ત્યાં તોફાની તત્વોએ શોર મચાવી દીધો. એ બધાની વચ્ચે આચાર્યશ્રીએ શાંતિથી દર્શન ભક્તિ કરી. દર્શન માટે પધારેલા આચાર્યશ્રીને રોકનાર વ્યક્તિને ત્યાંના જ એક પુણ્યાત્મા વસંતભાઈએ અટકાવતા કહ્યું કે – ‘દર્શન કરવા દો’ ભક્તિ પૂર્ણ કરી. આચાર્યશ્રી ખૂબ જ થોડા મહાત્માઓ સાથે કુમારપાળભાઈના ઘરે પધાર્યા. સાથે કોઈ સાધ્વીજી ભગવંતો પણ ન હતા. ત્રિવિધ સંઘની હાજરીમાં માંગલિક ફરમાવી આચાર્યશ્રી રાજેન્દ્ર સોસાયટી માં આવેલા પાવડ વાળા બે તિથિના ઉપાશ્રયે પધાર્યા. એ દરમ્યાન ત્યાંના ભાડુતી લોકલ હલકા માણસોએ ઉપાશ્રયની બહાર દેકારો મચાવવાનું શરૂ કર્યું. રાતના બે – અઢી વાગ્યાં બાદ અમદાવાદ – ડીસા વગેરેથી નીકળેલી બસો અને ગાડીઓનું આગમન શરૂ થયું. પબ્લિકના ધાડા ઠલવાતા ગયા. રાતના અઢી વાગ્યાથી આચાર્યશ્રીને હલકામાં હલકા શબ્દો વાપરી ગાળો દેવા લાગ્યા. આચાર્યશ્રી વગેરે તમામ મુનિવરો ઉપાશ્રયમાં આરાધના રત હતા અને બીજી બાજુ કહેવાતા જૈનોનું ટોળું બે તિથિ પક્ષના સાધુ ભગવંતોને ભાંડી રહ્યું હતું. પાંચ વાગ્યાં સુધીમાં ૫૦૦થી અધિક વ્યક્તિઓએ ઉપાશ્રયના બંને તરફના દરવાજાને ઘેરી લીધા. ગંદી ગલિચ ભાષામાં સતત નારા પોકારાવા લાગ્યા. આચાર્યશ્રી સમેત પચાસ મુનિવરો અને ભક્ત શ્રાવકો વિફરેલા જૈનોની વચ્ચે હતા. છતાં પણ આચાર્યશ્રીએ તમામ શ્રાવકોને તેમજ પ્રોટેકશન માટે આવેલા સુરક્ષા કર્મીઓને ભલામણ કરી કે કોઈએ પણ કોઈ જ પ્રકારનો શાબ્દિક કે શારીરિક પ્રતિકાર કરવાનો નથી. એ પછી સવારે ૫:૨૦ કલાકે સાધુ ભગવંતોને લઇને આચાર્યશ્રી ઉપાશ્રયની બહાર આવ્યા. પ્રોટેકશન માટે આવેલી પોલીસ રસ્તો ખુલ્લો કરવા આગળ વધી ત્યાં તો સામેથી ધસારો વધુ શરૂ થયો. એની વચ્ચેથી થોડો રસ્તો કરીને ભીડમાં હજુ આગળ વધે એ પહેલાં જ શ્રમણોપાસક કહેવાતા શ્રાવક – શ્રાવિકાઓએ ધક્કા મુક્કી શરૂ કરી. ગાળોનો વરસાદ વરસાવ્યો. એક સામાન્ય માણસને માટે પણ ન વાપરી શકાય એવા અભદ્ર વાક્ય પ્રયોગોના મારા શરૂ કર્યા. સાથોસાથ આચાર્યશ્રી ઉપર વધારેને વધારે ભીંસ લાવવામાં આવી. શ્રમણોનેય ધક્કા મારીને દબાવવામાં આવ્યા. બાર – પંદર વર્ષની કહેવાતા જૈન સમાજની દીકરીઓએ પણ આચાર્યશ્રીને ભાંડવાનું ચાલુ રાખ્યું. એક સમય તો એવો આવ્યો કે આચાર્યશ્રીની આગળ આવીને છોકરીઓએ રસ્તો રોકી લીધો. ત્યારે બાજુમાં રહેલી લેડીસ પોલીસે વચ્ચે આવીને છોકરીઓને સાઈડ કરી. પાછળથી આચાર્યશ્રીના કપડાં ખેંચવાનો પણ પ્રયન કરાયો એ જ સમયે સાવચેત બની ગયેલા ભક્ત શ્રાવકોએ કોર્ડન કરીને ખેંચવા આવનારને દૂર કર્યા. બહેનોએ કોણીઓ મારી શ્રાવકોને ઉશ્કેરવાના પ્રયત્નો કર્યો. ગંદામાં ગંદી ગાળો બોલીને ભક્ત શ્રાવકોને ભડકાવવાની કોશિશ પણ કરી. પરંતુ ગુરુદેવના આદેશથી ભક્ત શ્રાવકો ચૂપ રહ્યા. ટોળું વધતું જતું હતું. સાથોસાથ ઉગ્ર આક્રોશ પણ વધતો જતો હતો. શ્રમણોના શ્વાસ રૂંધાઈ જાય એ હદે ટોળું ભીંસ વધારી દેતું હતું. આ ટોળાની આગેવાની લેનારા વાઘજીભાઈ, શશિભાઈ, નવીન વિરવાડી વગેરે પણ બેનર પકડીને સમગ્ર બે તિથિ પક્ષના પ્રવેશનો નિષેધ કરતા ઉભા હતા. લગભગ બે – અઢી કિ.મી. કેનાલ સુધી આ જ રીતે નબળા વ્યવહારોનો ભોગ આ સાધુ ભગવંતો બનતા રહ્યા. પોણો કલાકથી વધુ સમય માત્ર બે કિ.મી. પસાર કરવામાં થયો. સાધુ ભગવંતોની પાછળ આવતી આચાર્યશ્રીની ડોળી અને ડોળીવાળાઓ ઉપર પણ પ્રહાર કરવામાં આવ્યા. તેમની પાછળ આવતી ગાડીમાં બેસેલા ભક્ત શ્રાવકને કેટલાક લોકો ઓળખી ગયા અને ધમકી આપી કહ્યું કે ‘તમે બોલો કીર્તિડો ચોર છે’ જ્યારે ભક્ત શ્રાવકોએ કશો જ જવાબ ન આપ્યો ત્યારે તેમની ગાડીના કાચ તોડી નંખાયા. ગાડીમાં ઘણી ઘણી ભાંગફોડ કરવામાં આવી. ત્યાં અચાનક જ પોલીસ આવી જતાં ગાડીમાં રહેનારા શ્રાવકો જીવ બચાવીને ભાગ્યા. બીજી તરફ રાત્રે ૧.૦૦ વાગે અગમચેતી વાપરીને પરિવારના સભ્યો પોતાના ઘરેથી નીકળી ગયા હતા. સવારે ૬ વાગ્યાની આસપાસ કુમારપાળભાઈના ઘરના દરવાજા તોડી નાંખવામાં આવ્યા. ઘરની અંદર ભયાનક રીતે ભાંગફોડ કરવામાં આવી. બહાર બંધાયેલો મંડપ પણ તોડી પાડવામાં આવ્યો. સારુ થયું કે પરિવારના સભ્યો રાતના જ નીકળી ગયા, નહીંતર કેવી હાલત એમની થાત એ કલ્પી શકાય એમ નથી. જૈનશાસનના ઇતિહાસમાં જૈનો દ્વારા આચરાયેલી કલંક સમાન આ અદ્વિતીય ઘટના હતી. આ તમામ ઘટનાઓના વિડીયો મોજુદ છે.
- જે સાધુભગવંતોને સ્થાન આપવા અજૈનો પોતાના ઘર ખાલી કરી દેતા હોય તે સાધુ ભગવંતોને ગામમાંથી કાઢી મુકવાનું કાર્ય કહેવાતા જૈનોએ કર્યું!!!
- વીરનો વેષ ઓઢીને ગામ ગામ નિર્ભય રીતે વિચરનારા શ્રમણસંઘને ભય તળે જીવવા મજબુર બનાવવાનું કામ આ થરાદના કહેવાતા જૈનોએ કર્યું!!!
- જો જૈનો જ શ્રમણોને હડસેલવાનું અને હેરાન કરવાનું કાર્ય કરશે તો આ જૈનશાસનની મૂડી સમાન શ્રમણ શ્રમણીને સાચવશે કોણ?
- જે જૈનોએ સુરક્ષાનું કવચ પૂરું પાડવું જોઈએ એ જ જૈનો તલવાર બનીને શ્રમણોને હેરાન પરેશાન કરશે તો શ્રમણ શ્રમણી સંઘનું થશે શું?
- જે શ્રમણ શ્રમણીને આંગણે પધરાવવા અહોભાવની અને સદ્-ભાવની લાગણીઓ ઉમટવી જોઇએ એના બદલે બહાર નીકાળવા માટે સેંકડો જૈનો કામે લાગે, ધિક્કાર ફીટકાર અને આક્રોશ વરસાવે એ કેવું કહેવાય?
- વિચારોમાં પણ ન શોભે એવા શબ્દોનો વપરાશ એક પ્રતિષ્ઠિત જૈનાચાર્ય માટે આજના દીકરા દીકરીઓ કરે અને જૈન સમાજ જોયા કરે એ યોગ્ય કહેવાય?
- લાંબા વિહારના અંતે થરાદ પહોંચેલા શ્રમણી ભગવંતોને ગુપ્ત રીતે લોક અપમા રહીને રાત પુરી કરવી પડે એ શું જૈનશાસન માટે કલંક નથી?
- આજે એક માત પિતા પોતાના દીકરા મુનિવરને પોતાના ઘરે ય ન પધરાવી શકે એવી પરિસ્થિતિનું ખુદ જૈનો સર્જન કરે એ કેટલું યોગ્ય છે?
- આજે જૈન કહેવાતા વર્ગ તરફથી સાધુ ભગવંતોને કોઈપણ જાતના વાંક-ગુના વગર ધક્કે ચડાવવામાં આવ્યા છે. આવતીકાલે શું આવા દુષ્કૃત્ય સાધુ સાધ્વી સાથે અજૈનો બિનધાસ્ત બનીને નહીં આચરે?
- આ ઘટનાને આગળ કરીને સાધુ સાધ્વીને હેરાન પરેશાન કરનારા અજૈનોને ભવિષ્યમાં કોઈ અટકાવી શકશે ખરું?
- પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજય કીર્તિયશસૂરિજી મહારાજને ૭૩ વર્ષ થયા, સંયમપર્યાયને ૫૭ વર્ષ થયા, એમનાં પોતાના શિષ્ય-પ્રશિષ્યો ૯૦ થી અધિક છે, આટલા વર્ષના ઇતિહાસમાં જયારે જ્યારે ભોરોલતીર્થ આવ-જાવ કરી છે તેટલી વાર પ્રાય: થરાદ તીર્થમાં ચાર થોયના ઉપાશ્રયમાં એકાદ દિવસની સ્થિરતા કરેલી છે. અનેકવાર પ્રવચનો પણ કરેલા છે. થરાદ તીર્થના અનેક પરિવારો અને પુણ્યાત્માઓ તેઓશ્રીને ખૂબ જ નિકટથી ઓળખે છે. શ્રી રાજેન્દ્રસૂરિજી કે ત્રિસ્તુતિક સમાજ માટે અપમાન જનક એક શબ્દ સુદ્ધા આચાર્યશ્રી દ્વારા ક્યાંય લખાયો નથી કે બોલાયો નથી છતાં અંતિમ દોઢ દોઢ વર્ષથી મહાન જૈનાચાર્યને કલંકિત કરવા કેટલું યોગ્ય છે?
- અહિંસાપ્રેમી એક જૈન સાધુ કે એક આચાર્ય, સન્માનીય જૈનાચાર્ય માટે ઉશ્કેરણી જનક ઉપદેશ આપે, એ માટે હિંસક શબ્દો વાપરે એ શું શોભ સ્પદ ગણાશે?
હૃદય વાલોવાઈ જાય છે અને આંખો ચોધાર આંસુએ વરસી રહી છે. જૈનશાસન જેના બળે ૨૧૦૦૦ વર્ષ ચાલવાનું એવા શ્રમણસંઘની આટલી ખરાબ હાલત માત્ર ૨૬૦૦ વર્ષમાં જ થઇ, એ પણ જૈનો દ્વારા થઇ. તો પછી શ્રમણસંઘની આવતીકાલ કેવી? આ વિચાર પણ થથરાવી મુકે છે.!!!
આ રીતે પ્રાચીન વીર વસુંધરા સંઘવી શ્રી આભૂશેઠની પવિત્ર ભૂમિમાં એ જ ભૂમિના વંશજ એ જ સંઘવી પરિવારના કુળદિપક પૂ. મુનિરાજશ્રીજીના વતનભૂમિના આગમન પ્રસંગે અશોભનીય અનુચિત વ્યવહાર કરીને શ્રીથરાદ અસામાજિક તત્વોએ સારો જસ(!) મેળવી પોતાની નામનામાં વધારો કર્યો હતો.
Be the first to comment